અંગ્રેજોના લગભગ ૧૯૮ વર્ષના જુલ્મ તથા ત્રાસને નેસ્તોનાબુદ કરવા આપણા રાષ્ટ્રભક્તોએ પોતાના દેહની આહુતિઓ આપી આપણા દેશને અંગ્રેજોના ત્રાસમાંથી છોડાવી આપણને સૌને આઝાદીની ભેટ આપી વિશ્વની સૌથી મોટી લોક્તાંત્રિક વ્યવસ્થાની સ્થાપના કરી સૌને સ્વતંત્રતા આપી... પરંતુ આ ૬૧ વર્ષની લોક્તાંત્રિક વ્યવસ્થા તથા લોકશાહીને વેરવિખેર કરી છિન્ન – ભિન્ન કરવામાં ત્રાસવાદી પ્રવૃત્તિએ કંઇ બાકી નથી રાખ્યું. વર્તમાનસમયે ભારતદેશના શહેરોમાં થઇ રહેલા " શ્રેણીબદ્ધ બોંબ ધડાકાઓ " (સિરિયલ બોંબ બ્લાસ્ટસ્) થી સમગ્ર દેશનો શ્વાસ અધ્ધર તાલે છે ત્યારે આપણા દેશના કહેવાતા દેશરક્ષકો (નેતાઓ) એકબીજા પર આક્ષેપબાજી તથા સોદાબાજી કરવામાંથી ઊંચા નથી આવતા જે આ દેશની સૌથી મોટી કમનશીબી પ્રદર્શિત કરે છે.
ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, મધ્ય અમેરિકા, યુરોપ તથા યુરેશિયા કરતા પણ વધારે લોકો ભારતમાં ત્રાસવાદી, ખૌફનાક હાદસામાં મોતને ભેટ્યા છે. વર્ષ જાન્યુઆરી ૨૦૦૪ થી માર્ચ ૨૦૦૭ સુધીમાં ભારતમાં જુદા–જુદા શહેરોમાં થયેલા ત્રાસવાદી શ્રેણીબધ્ધ બોંબ ધડાકાઓમાં કુલ ૩,૨૮૦ લોકો મોતને ભેટ્યા છે. તથા ત્રાસવાદી પ્રવૃત્તિમાં હાલમાં ભારત વિશ્વમાં મોખરે છે. ભારતના મુંબઇ, હૈદ્રાબાદ, બેંગ્લોર, રાજસ્થાન, લુધિયાણા, વારાણસી, મેલગાંવ તથા અમદાવાદ જેવા શહેરો સિરિયલ બોંબ બ્લાસ્ટના જાણે કેન્દ્રો બની શક્યા હોય તેમ છેલ્લા ત્રણ વર્ષમાં અવાર–નવાર ધડાકાઓ થયા છે અને અવાર–નવાર નિર્દોષ લોકોના જીવ ગયા છે. ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવતા સિરિયલ બોંબ બ્લાસ્ટમાં ભારત વિશ્વમાં નેપાળ તથા ઇરાક પછી ત્રીજા સ્થાને છે. વર્ષ ૧૯૯૩ થી શરૂ કરીએ તો જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ૧૫ વર્ષમાં ૧૧,૦૦૦ હજાર સૈનિકો સહિત કુલ ૭૦,૦૦૦ લોકો ત્રાસવાદી હુમલા તથા બોંબ ધડાકાઓમાં મૃત્યુ પામ્યા છે સમગ્ર દુનિયામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૨૦,૭૮૧ લોકો બોંબ ધડાકાઓમાં મૃત્યુ પામ્યા છે જેમાંથી લગભગ ૫૦% એટલે કે, ૯,૨૮૩ લોકો એશિયામાં અને એશિયાના લગભગ ૫૦% ની આસપાસ એટલે કે ૩,૨૮૦ લોકો ભારતમાં બોંબ ધડાકાઓમાં મૃત્યુ થયા છે. આમ સમગ્ર વિશ્વમાં ત્રાસવાદી ધડાકા અને હુમલામાં થયેલા કુલ મૃત્યુના આશરે ૩૦% મૃત્યુ એક્લા ભારતમાં થયા છે. ત્રાસવાદીઓના કેન્દ્ર ગણાતા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં અનુક્રમે ૨,૪૦૫ તથા ૧,૦૦૦ મૃત્યુ થયા છે. વિશ્વમાં ભૂતાન એક જ એવો દેશ છે જ્યાં છેલ્લા ત્રણ વર્ષમાં ત્રાસવાદી બોંબ ધડાકામાં એક્પણ મૃત્યુ થયું નથી.
ત્રાસવાદ અને શ્રેણીબધ્ધ બોંબ ધડાકાઓ એ આપ્ણી રાષ્ટ્રીય સમસ્યા બની ચૂકી છે ત્યારે રાજકીય પક્ષા–પક્ષી તથા આક્ષેપબાજીમાંથી બહાર નીકળી આ સમસ્યાના નિરાકરણની કાળજી લે એજ નેતાગીરીનું શાણપણ લેખાશે. જે દેશના વ્યાપારપ્રિય અને શાંત ગુજરાતના મહાનગર એવા અમદાવાદમાં પણ જ્યાં એક કલાકમાં ૧૬–૧૬ ધડાકાઓ થતા હોય તે એજ બતાવે છે કે ત્રાસવાદીઓએ આપણા રાષ્ટ્રીય નેતાઓની નિર્બળતાનો પૂરે પૂરો અભ્યાસ કરી લીધો છે માટે બોંબ ધડાકાઓ બાદ ચર્ચા કે રાજકીય પ્રસિદ્ધિનો વિષય ન બનાવતા રાષ્ટ્રીય સમસ્યા બની ચૂકેલી આ ત્રાસવાદી પ્રવૃત્તિને નાથવામાં રાજ્ય અને કેન્દ્રસરકાર સંકલન કરે તેવું હર કોઇ ભારતીય ઇચ્છી રહ્યું છે.
વન્દે માતરમ.
|