|
|
|
|
| |
|
|










|
|
વાતાવરણનું સમતોલન તૂટ્યૂં તાજેતરમાં વર્ષોમાં ગ્રીનહાઉસ ઇફેક્ટ શબ્દો પૃથ્વી પરના પ્રદૂષણ અને અન્ય કારણોથી બગડતી જતી પરિસ્થિતિ માટે વપરાય છે. કુદરતે રચી આપેલું સુયોગ્ય વાતાવરણ ઇ.સ. ૧૮૦૦ સુધી બરાબર રહ્યું. એ પછી આવેલી ઔદ્યોગિક ક્રાંતિએ માનવજાતને વિકાસના સોપાન સર કરવાની ગાંડી ઘેલછા વળગાડી ને વિશ્વમાં ભૌતિક સમૃદ્ધિ ખડકવાની ગળાકાપ હરિફાઇ શરૂ થઇ. એ સૈકામાં લાખો ટન કોલસો બાળવામાં આવ્યો. આ આંધળી દોટ માનવજાતને ક્યાં લઇ જાય છે એની ભાળ મળે એ પહેલાં તો ઇ.સ. ૧૯૦૦ના સૈકામાં પેટ્રોલિયમ પેદાશો અને કુદરતી ગેસ મળી આવ્યાં અને માનવજાત હરખાઇ ગઇ ! માણસની દૈનિક જરૂરિયાત વધતી ચાલી. સુંવાળું અને આરામદાયક જીવન જીવવાની લાલચે માણસે વિવેક ગુમાવ્યો. કુદરત સાથેનું સંવાદી જીવન છોડીને એણે કુદરતી સંપતિની બેફામ લૂંટ ચલાવી. ભૌતિક વિકાસની કિંમત માનવજાતની જાણ બહાર પર્યાવરણ સ્વરૂપે ચૂકવાતી ગઇ અને માનવજાતનો પર્યાવરણીય ખજાનો લૂંટાય ગયો..
અશ્મીજન્ય બળતણોના દહને, કારખાનાંઓમાંથી નિકળતા ધૂમાડાએ, વાહનોમાંથી ઓકાતા ધૂમાડાએ, જંગલોના બેફામ વિનાશે, ઉદ્યોગોમાં વપરાતાં અનેક પ્રકારનાં સંશ્લેષિત રસાયણોએ, રાસાયણિક ખાતરોએ અને આડેધડ થતા જંતુનાશક દવાના છંટકાવે વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધારી દીધું છે, કે જેમને કુદરતે ગરમીને શોષીને પૃથ્વીને હુંફાળી રાખવાનું કામ સોંપેલું છે. હવે બન્યું છે એવું કે કાર્બન ડાયોક્સાઇડની સરદારી નીચે કામ કરતા વાયુનું પ્રમાણ માનવજાતે વધારી મુક્યૂં એટલે એ બધા વાયુઓ દ્વારા પેલી વધારાની ગરમી જે પ્રતિબિંબિત થઇને બહાર ધકેલાઇ જતી હતી તેના બદલે વાતાવરણમાં જ શોષાવા લાગી. પરિણામ એ આવ્યું કે બહાર ચાલ્યાં જતાં અધોરક્ત કિરણો પૃથ્વીના જ વાતાવરણમાં રહી ગયાં અને એણે પૃથ્વીનું તાપમાન વધારી દીધું. દરેક વાયુને તો પોતાનું નિશ્ચિત બંધારણ છે અને પોતાના ગુણધર્મો છે એટલે એ તો એ પ્રમાણે જ વર્તણૂક કરવાના. ભૂલ માનવજાતની છે કે તેણે કુદરતની સમતોલ ગોઠવણમાં પોતાનું ડહાપણ વાપરીને ગ્રીનહાઉસ વાયુઓ ઉમેર્યા એટલે સમતોલન તૂટ્યૂં છે અને માનવજાત માટે ખતરો ઉભો થય છે
વધતા તાપમાનની સાબિતીઓ વિશે ઘણા વિજ્ઞાનીઓને શંકા હતી પરંતુ હવે વિશ્વના સેંકડો વિજ્ઞનાનીઓ આ ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે સંશોધન કરી રહ્યાં છે અને તાપમાનના વધારા વિશે શંકા રહી નથી. ભારતમાં દહેરાદૂન જેવાં શહેરોમાં પણ આજે પંખાની જરૂરિયાત ઊભી થઇ છે. યુરોપનાં અસંખ્ય જળાશયો બરફથી છવાયેલાં રહેતાં તે આજે પીગળેલાં છે. કેનેડાનાં કાયમી થીજેલાં રહેતાં કોતરોમાં આજે પાણી વહી રહ્યું છે. દક્ષિણ ધ્રુવ પ્રદેશમાંથી મહાકાય હિમશિલાઓ છૂટી પડીને તણાઇ રહી છે. પરિણામે ઘણાં સ્થળે દરિયાની સપાટી વધશે. અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, હિમપાત, દુષ્કાળ, વાવાઝોડું, જ્વાળામુખીનો સ્ફોટ, જમીનની શુષ્કતા વગેરે અનેક અણધાર્યા કુદરતી ફેરફારો પૃથ્વીનું તાપમાન વધવાથી થશે. ત્રણચાર અંશ તાપમાન વધવાથી પશુપંખી કે માણસો ટપોટપ મરવા લાગશે તેવું નથી. પરંતુ તાપમાનના નજીવા ફેરફારથી પૃથ્વીનું વાતાવરણ એવો ને એટલો પલટો ખાઇ જશે કે દુનિયાનો નક્શો જ બદલાઇ જશે.
આવતાં પચાસેક વર્ષમાં પૃથ્વીનું તાપમાન ચારેક અંશ સેન્ટિગ્રેડ વધવાનું છે. આ ગણતરી સરેરાશ વધારો દર્શાવે છે. ઉષ્ણકટિબંધનો વધારો બે અંશ અને શીતકટિબંધનો વધારો પંદર અંશે પહોંચી જવાનો ભય છે. આ સરેરાશ વધારાનો આંક એવો નથી કે એ તાપમાને જીવસૃષ્ટિ બફાવા લાગે, પરંતુ એ આંક એવો તો છે જ કે તે ભારે મોટી ઉથલપાથલ સર્જી શકે. જેમ કે લાખો ચોરસ કિલોમીટરમાં પથરાયેલ બર્ફીલો દક્ષિણ ધ્રુવપ્રદેશ પીગળવા લાગે અને મહાકાય હિમશિલાઓ સમુદ્રમાં તણાવા લાગે. આથી સમુદ્ર કાંઠે વસતો વિસ્તાર જળબંબાકાર થઇ જશે. માલદીવ, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડીઝ વગેરે ટાપુઓને અને ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે વસેલાં શહેરોને જળસમાધિ લેવાનો વારો આવે એવી શક્યતા નકારી કઢાતી નથી.
તાપમાન વધવાથી સ્વાભાવિક પણે જ સમુદ્રના પાણીનું બાષ્પીભવન વધારે થશે. તેને પરિણામે વરસાદનું પ્રમાણ સરેરાશ ૫ થી ૭ ટકા વધવાનો સંભવ છે. આ વધારો સમાન ભાગે બધે વહેંચાઇ જવાનો હોય તો વાંધો નથી. આ ફેરફારથી ક્યાંક નિયમિત અતિવૃષ્ટિ થશે તો ક્યાંક ચોમાસા કોરાં જશે. સાધારણ ભેજવાળો પ્રદેશ સૂકોભઠ્ઠ થાય અને સૂકો રણપ્રદેશ ભેજવાળો થાય તો તે વિસ્તારની સમગ્ર જીવસૃષ્ટિ અને સૂક્ષ્મ જૈવિક પ્રક્રિયા વેરવિખેર થઇ જવાનો પૂરો સંભવ છે. વધારાના તાપમાનના પરિણામે શિયાળા – ઉનાળાના દિવસો પણ બધા દેશોમાં ફરી જશે. આથી સંભવ છે કે અમુક ક્ષેત્રે ફાયદો જણાય, પણ એ ટૂંકા ગાળાનો સાબિત થશે. અમુક વિસ્તારમાં ગરમી કે ઠંડીને લીધે ન ઉજરતાં વૃક્ષો કે પાક ઉજરવાની શક્યતા વધશે પણ તેની કિંમત ભારે આકરી ચૂકવવાની થશે તેમાં કોઇને શંકા નથી.
કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી વૃક્ષોમાં થતી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ઝડપથી થશે અને વૃક્ષોની વૃદ્ધિ થશે. પણ તે માટે જોઇએ એટલાં પોષક તત્વો જમીનમાં નથી. આથી વધારે નાઇટ્રોજનયુક્ત ખાતરો ઉમેરવા પડશે ને પરિણામે જમીન ઝડપથી વાંઝણી થશે. જર્મન વિજ્ઞાની રોડાલ્ફનું કહેવું છે કે જમીનમાં થતી જૈવિક પ્રક્રિયાઓ પર, એ વનસ્પતિનાં પાન ખાઇને જીવતાં જીવડાં પર એવી વિપરીત અસર થશે કે ખેતઉત્પાદનમાં ઘટાડો થશો.
સપાટ, સ્વચ્છ, અને સુંવાળી બરફસપાટીઓ પીગળે તો પ્રથમ દ્રષ્ટિએ ફાયદો જણાય. પણ એ સપાટી, સૂર્યના અધોરક્ત કિરણોને પ્રતિબિંબિત કરનારી ઉત્તમ સપાટી, કુદરતે રચેલો અરીસો છે. એ તૂટી જાય તો પૃથ્વીનું તાપમાન વધવાની પ્રક્રિયા ઉલટાની વધશે.
ગ્રીનહાઉસ ઇફેક્ટના ઉપાયો
(૧) વનીકરણ : જંગલો સમગ્ર પર્યાવરણને તંદુરસ્ત રાખનારાં છે. કુદરતનાં ફેફસાં સમાન જંગલો જેમ વધારે તેમ પર્યાવરણની નરવાઇ વધારે. પૃથ્વીના પ્રાકૃતિક પરિવેશનું બહુમૂલ્ય આભૂષણ એટલે જંગલો. પ્રદૂષણની પીડા ઓછી કરીને સમગ્ર સૃષ્ટિને ચેતનવંતી રાખવાની ગુરૂચાવી આ જંગલો પાસે છે. વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ ચૂસનારાં વૃક્ષોનો આપણે સોથ બોલાવી દીધો છે. આપણી ધરા ઉપર ૧૨ અબજ ૮૦ કરોડ હેક્ટર જમીન ઉપર જંગલો હતાં, જ્યારે અત્યારે માત્ર ૨(બે) અબજ હેક્ટર જમીન ઉપર જ જંગલો બચ્યાં છે. ભારત દેશની વાત કરીએ તો કુલ વિસ્તારના ૧૪ ટકા ઉપર જ જંગલો બચ્યાં છે જ્યારે આદર્શ સ્થિતિ માટે ૩૩ ટકા જમીન ઉપર જંગલો જોઇએ. ગુજરાતમાં ઉપગ્રહ દ્વારા થયેલ સર્વેક્ષણ પ્રમાણે માત્ર ૭ ટકા વિસ્તાર ઉપર જ જંગલો છે ! વાયુશાસ્ત્રીઓએ કરેલી ગણતરી પ્રમાણે એક વ્યક્તિને સારી રીતે જીવવું હોય તો ૩૦ ચોરસ મીટર જમીન ઉપર વનરાજી જોઇએ. ભારતમાં દર મિનિટે ઓછામાં ઓછા ૪૦ બાળકો જન્મે છે, એટલે કે આ ક્ષેત્રે આપણી અને દુનિયાની શી સ્થિતિ છે તે જગજાહેર છે. આથી એ વિશે ચર્ચા કરવાની જરૂર રહેતી નથી.
(૨) સમુદ્રોમાં લોહતત્વ ઉમેરવું : ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ નામના ટી.વી. પ્રોગ્રામમાં અમેરિકાના સમુદ્રી વિજ્ઞાની ડો. જહોન માર્ટિને જણાવ્યું છે કે સમુદ્રોમાં લોહતત્વની ખામી છે. વર્ષોના સંશોધન પછી તેમણે તારવ્યું છે કે દરિયાઇ વનસ્પતિ લોહનું ક્લોરોફિલમાં રૂપાંતર કરીને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ઝડપી બનાવી શકે છે. વિષુવવૃતના એટલાન્ટિક સમુદ્રમાં સહારાના રણમાંથી ઊઠતો પવન ધૂળના રજકરણો ઠાલવે છે, જેમાં લોહતત્વ હોય છે. દક્ષિણ ધ્રુવીય સમુદ્રોમાં બર્ફીલા વિસ્તાર પરથી પવનનો આવતા હોવાથી તેને લોહતત્વ મળતું નથી. હવે જો ત્યાં 3 લાખ ટન જેટલું લોહતત્વ છ માસની અંદર ખાતરની જેમ છાંટી દેવામાં આવે તો ત્યાંની દરિયાઇ વનસ્પતિ સક્રિય થઇને વાતાવરણનો બે અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ ચૂસી શકે છે.
(૩) સૂક્ષ્મદર્શી દરિયાઇ જીવોને સક્રિય કરવા : દરિયાની ખોરાક શૃંખલાનો પાયાનો જથ્થો તળિયે થતી સૂક્ષ્મદર્શી એકકોષી વનસ્પતિ જીવોનો છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના વાયુશાસ્ત્રી રોજરનું સૂચન છે કે દરિયામાં ફોસ્ફેટનું પ્રમાણ ઉમેરીને આ જીવોમાં થતી પ્રકાશસંશ્લેશણની પ્રક્રિયામાં નોંધપાત્ર ઝડપ લાવી શકાય તેમ છે. સમુદ્રમાં ભળેલો કાર્બન ડાયોક્સાઇડ પ્રથમ વપરાઇ જશે અને સમુદ્ર એ ઘટ પૂરી કરવા વાતાવરણમાંથી વધારે કાર્બનડાયોક્સાઇડ ચૂસી લઇને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરશે.
(૪) રાસાયણિક ખાતરો ન વાપરવાં : નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરી સજીવ ખેતી અને ઋષિખેતી તરફ વળવું પડશે. ઓર્ગેનિક ફાર્મિંગ તરફ ગયા વગર છૂટકો નથી. પેટ્રોલિયમ અને કોલસાના સ્થાને કુદરતી વાયુ વાપરવાનો આગ્રહ રાખવો પડશે.
(૫) પુન:પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો જ વાપરવા : ગ્રીનહાઉસ ઇફેક્ટને રોકવા અને પ્રદૂષણથી બચવા સૌથી અસરકારક કોઇ પગલું હોય તો તે છે પુન:પ્રાપ્ય ઊર્જા વાપરવી. અશ્મિજન્ય બળતણોને બાળવાં કે અણુવિદ્યુત મથકો વાપરવાને બદલે સૂર્યશક્તિનો, પવનચક્કીનો, ભૂગર્ભવરાળનો, દરિયાની ભરતી – ઓટનો, દરિયાની ગરમી-ઠંડીનો, દરિયાનાં મોજાંનો, પશુશક્તિનો, જળાશયો દ્વારા મેળવાતી ગતિશક્તિનો ઉપયોગ કરીને અને દરિયાના પાણીમાંથી હાઇડ્રોજન છૂટો પાડીને અનેકગણી વધારે ઊર્જા મેળવી શકાય તેમ છે. વની કરણ અને પુન:પ્રાપ્ય ઊર્જાનો વપરાશ એ બે મુખ્ય રામબાણ ઇલાજ ગણાવી શકાય તેમ છે. આ બધા વૈકલ્પિક ઊર્જાસ્ત્રોતો પ્રથમ નજરે મોંઘા અને માથાકૂટિયા લાગે તેવા છે પરંતુ માનવજાતે એ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી.
(૬) વાહનનો વપરાશ ઘટાડીયે. શક્ય હોય ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરીયે. સાઇકલ વાપરીએ. ચાલીને અંતર કાપવાનું રાખીએ.
(૭) આધુનિક ટેકનોલોજીથી સજ્જ વાહન વાપરીએ. સારું માઇલેજ આપતું વાહન ખરીદીએ તો પેટ્રોલનો વપરાશ પણ ઘટે અને પૈસાની બચત થાય.
(૮) ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતોનો વિકલ્પ વિચારીએ. પુન: વપરાશમાં લઇ શકાય તેવા ઊર્જાસ્ત્રોત જેમ, કે પવન અને સૂર્યઊર્જાનો વધારે ને વધારે ઉપયોગ કરીએ. કોલસો અને ખનીજ તેલ પર સંપૂર્ણ આધાર રાખવાનું ઓછું કરીએ. સૂર્યઊર્જાથી ચાલતાં સાધનો ઘરમાં વસાવીએ.
(૯) ઘર અને કામકાજના સ્થળે વીજળીના સાદા ગોળા વાપરવાને બદલે ઓછી વીજળીનો ઉપયોગ કરતાં ફ્લોરેસન્ટ બલ્બ અને ટ્યૂબલાઇટ વાપરીએ. આનાથી વીજળીનું બીલ ઓછું થાય, આપણું પર્યાવરણ સુરક્ષિત બને.
(૧૦) વીજળી ઊર્જાનો અસરકારક ઉપયોગ કરતાં ઇલેક્ટ્રોનિક અને વિદ્યુત ઉપકરણો વસાવીએ. રેફ્રિજરેટર કે એર-કન્ડિશનર જૂનું થયું હોય તો વેળાસર બદલી નાખીએ. વીજળીનું બીલ ઘટે એવા સઘળા ઉપાયો કરીએ. વિદ્યુત અને વીજાણું ઉપકરણોની બરાબર જાળવણી કરીએ.
(૧૧) વૃક્ષો વાવીએ. પોતાના આંગણાને, રહેણાંકના અને કામકાજના સ્થળને હરિયાળા રાખીએ. વૃક્ષો પોતાની પ્રકાશ-સંશ્લેષણની ક્રિયા માટે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને પ્રાણવાયુ બહાર કાઢે છે. આનાથી પૃથ્વીનું તાપમાન ઘટે છે.
(૧૨) કાગળનો વપરાશ ઘટાડીએ. રિસાયકલ થયેલા મટીરિયલમાંથી બનેલા કાગળ, કાચ અને ધાતુનાં ઉત્પાદનો વાપરીએ. આનાથી ઊર્જા અને પ્રદૂષણનું ભારણ ૭0 થી ૯0 ટકા જેટલું ઘટે છે. ચીજવસ્તુઓના વપરાશમાં કરકસરને અપનાવીએ. આજકાલ પર્યાવરણનું હિત જૂએ એવો (ઇકો ફ્રેન્ડલી) કાગળ પણ મળતો થયો છે. બજારમાં કોઇપણ ચીજવસ્તુની ખરીદી કરીએ ત્યારે આંખો ખુલ્લી રાખીએ. લેબલ બરાબર વાંચીએ અને બુદ્ધિ પૂર્વકની પસંદગી કરીએ.
|
|
|
|
|
|
|
|