શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ

ગોપાળરાવનો જન્મ મહારાષ્ટ્રના કવલાણા ગામમાં કાશીરાવ તથા ઉમાબાઇ પુત્ર તરીકે ૧૧ માર્ચ ૧૮૬૩ ના રોજ થયો હતો. ત્રણ ભાઇઓ અને ચાર બહેનોમાં ગોપાળરાવ વચેટ હતા. મહારાજા મલ્હારરાવને બ્રિટીશ સરકારે ૧૮૭૫ માં પદભ્રષ્ટ કરતાં સદગત મહારાજા ખંડેરાવના વિધવા મહારાણી જમનાબાઇએ ગોપાળરાવને દત્તક લીધા હતા.
ભારતવર્ષમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ કરનાર સયાજીરાવ ત્રીજા પ્રથમ રાજવી હતા. એમ જણાવી વડોદરા દક્ષિણ વર્તુળ દફતર કચેરીના અધિક્ષકશ્રી જીતેન્દ્ર શાહે કહ્યું કે, ૧૬-મી માર્ચ-૧૮૯૩ ના દિવસે ગાયકવાડી સરકારે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરતો કાયદો અમલી બનાવ્યો. અને સૌ પ્રથમ લાભ મળ્યો અમરેલી પ્રાંતના અમરેલી તાલુકાના દશ ગામોને (૧) કસ્બે અમરેલી (૨) ઇશ્ર્વરીયા (૩) ભૂતિયા (૪) સાંગાડેરી (૫) વરૂડી (૬) થોરત (૭) મોટા ભંડારીયા (૮) ગાબડકા (૯) ફતેપુરા અને (૧૦) વિઠ્ઠલપુર આ ગામોમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અમલ શરૂ થયો.
ફરજિયાત વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણનાં ઘણાં સારા પરિણામો મળતા આ સફળતાથી પ્રેરાઇને શ્રીમંત સયાજીરાવે ૧૯૦૬ માં આ પધ્ધતિ સમગ્ર વડોદરા સ્ટેટમાં અમલી બનાવી. સમગ્ર ભારત વર્ષમાં આવું ક્રાંતિકારી અને હિંમતભર્યુ પગલું લેનાર સૌથી પ્રથમ રાજવી તરીકેનું માન મેળવ્યું. આર્થિક રીતે નબળા બાળકોને સ્લેટ તથા પુસ્તકો મફત આપતા. શાળામાં ગેરહાજર રહેનાર બાળકોના મા બાપને દંડ થતો.
શ્રીમંત સયાજીરાવે શારિરીક શિક્ષણને પણ એટલી પ્રાથમિકતા આપી ૧૯૩૬ થી ફરજિયાત બનાવ્યું. ૧૯૧૬ માં હાલની એમ.એસ. યુનિવર્સિટીની સ્થાપના માટે વિચારણા શરૂ કરી ૧૯૩૬ માં હીરક જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે રૂ. ૧૦ કરોડનું અલગ ભંડોળ ફાળવ્યું. યુનિવર્સિટીની તેમની હયાતીમાં ન સ્થપાતા ૧૯૫૦ માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના થઇ અને અલગ ધારા હેઠળ પ્રથમ કુલપતિ મહારાજા પ્રતાપસિંહ બન્યા.
વડોદરા સ્ટેટના ગ્રામ્ય વિસ્તારોની એ વિશેષતા રહી હતી કે, પુસ્તકાલય, ચોરો અને પંચાયત, પ્રજામંડળ હોય એમ જણાવી અમરેલી કોલેજના નિવૃત પ્રિન્સીપાલ અને કલાભવનના ડાયરેકટર શ્રી હીરાલાલ શાહ ઉમેરે છે કે, મહારાજાએ પુસ્તકાલય પ્રવૃતિને ઉત્તેજન આપવા ફરતુ પુસ્તકાલય (પુસ્તક પેટી) દરેક જગ્યાએ ફરે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. પુરૂષો, મહિલાઓ અને બાળકો માટે પુસ્તકાલયો હતા. હાલ અમરેલી શહેરની પબ્લીક લાયબ્રેરી મહારાજાએ છેક ૧૯૨૧ માં શરૂ કરાવેલ. લોકશિક્ષણને દ્રઢ બનાવવામાં સાર્વજનિક પુસ્તકાલયોનું યોગદાન ખુબ મોટું રહ્યું છે. ૧૯૧૦ માં ગ્રંથાલય પ્રવૃતિની સુદ્રઢતા માટે ગ્રંથાલય ખાતુ શરૂ કરાયું. ગુજરાતી ભાષાને વિશેષ લક્ષ્ય અપાયું રાજયમાં ભાષાનિયામક ખાતાના નિરીક્ષક હેઠળ અન્ય ભાષાના પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરાયું.
સયાજીરાવ પોતે સંગીતપ્રેમી હોઇ પ્રજા માટે તેમણે વડોદરામાં ધ બરોડા મ્યુઝિક સ્કુલ ની સ્થાપના કરી જેમાં ખ્યાતનામ સંગીતકારોને નિયુકત કર્યા. આ શાળા સમય જતા પરિવર્તન પામી હાલમાં સંગીત, નૃત્ય અને નાટય માટેની પૂર્ણ કોલેજ તરીકે પ્રસ્થાપીત થઇ.
શ્રીમંત સયાજીરાવને કલા સ્થાપત્યમાં ભારે રૂચી હતી. તેમણે સયાજી સરોવર યોજના પૂર્ણ કરાવી, સિંચાઇ કાર્યો માટે જળાશયોની વ્યવસ્થા કરાવી. બરોડા કોલેજ ૧૮૮૩ માં પૂર્ણ કરાવી. લક્ષ્મીવિલાસ રાજમહેલ ઉપરાંત લાલબાગ, રાજમહેલ, ન્યાય મંદિર કલાભવન, કોઠી, શ્રી સયાજી જનરલ હોસ્પીટલ, બરોડા હાઇસ્કુલ, ખંડેરાવ માર્કેટ બંધાવી. વડોદરામાં રમણીય બાગો તથા સુંદર માર્ગો બંધાવ્યા સયાજીરાવમાં (કમાટીબાગ) પ્રખ્યાત સંગ્રહાલય, ચિત્રકલા વિભાગ, પ્રાણી સંગ્રહાલય, પંખીઘર વગેરે આકર્ષણના કેન્દ્રો બની ગયા. અમરેલી ખાતે હાલ કલેકટરશ્રીનું સુંદર નિવાસસ્થાન અને રંગમહેલ સહિતના કલાત્મક બાંધકામો મહારાજાએ બંધાવ્યા હતા.
મહારાજાએ લોકોના આરોગ્યની સુખાકારી માટે પણ પુરતા પગલા લઇ આરોગ્ય વિષયક સંસ્થાઓનું નિર્માણ કર્યુ હતું. તેમણે વ્યાયામ પ્રવૃતિને પણ રાજયમાં ઉત્તેજન આપ્યું હતું. આર્થિક પ્રવૃતિને વિકસાવવા મહારાજાએ ૧૯૦૮ માં બેન્ક ઓફ બરોડાની સ્થાપના કરી. શ્રી સયાજી મિલ્સ, જગદિશ મિલ્સ, દિનેશ મિલ્સ, એલેમ્બિકલ કેમિકલ વર્કસ સહિતના ઔદ્યોગિક એકમો શરૂ કર્યા હતાં.
શ્રીમંત સયાજીરાવે તેમના જીવનની પ્રત્યેક ક્ષણ પ્રજાને આપી હતી. તેઓ હિન્દુસ્તાનના એક રાષ્ટ્ર સર્જક પણ હતા. તેમણે વડોદરા રાજયને કલ્યાણ રાજય બનાવ્યું હતું. આ પ્રજાવત્સલ રાજવીએ અમરેલી જિલ્લાના ઘડત્તરમાં પણ એટલું જ યોગદાન આપ્યું હતું.

ભોજા ભગત

સૌરાષ્ટ્રમાં જેતપુર પાસેના દેવકીગાલોલ નામના ગામમાં ભોજા ભકતનો જન્મ ઇ.સ. ૧૭૮પ માં (વિક્રમ સંવત ૧૮૪૧ માં) વૈશાખ સુદી પૂનમ બુધ્ધપૂર્ણિમાંના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ લેઉવા કણબી હતા. તેમની અટક સાવલીયા હતી. જન્મ થી માંડીને ૧૨ વર્ષની ઉંમર સુધી ભોજાભગત ફકત દૂધ પી ને જ રહેલા. આ બાળકની ‘દૂધાહારી બાલયોગી’ તરીકેની ખ્યાતી સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં વિસ્તરી હતી
ગિરનારી સંતની /ગુરૂની પ્રસાદી લઇને સોરઠના આ સિધ્ધ પુરૂષ અમરેલીના ફતેપુરની ધરતી ઉપર ઉતર્યા. ઠેબી નદીના કિનારે ભોજા ભગતે આશ્રમ બાંધ્યો. અહીં સંતસમાગમ અને હરીકિર્તનના મધુર સુરો રેલાવા લાગ્યા. ભોજા ભગતની ચમત્કારીક સિધ્ધિ, દિગંતમાં રેલાતી કીર્તિ અને મુમુક્ષભાવે સેવકો દ્વારા કરાતી તેમની ઉપાસના કેટલાક તેજોધ્વેષી પામર માનવીઓની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી. દિવાન વિઠ્ઠલરાવના કાનમાં ઝેર ભરવામાં આવ્યું. ભોજલરામ ભકતને પકડી જાહેરસભામાં ચમત્કાર બતાવવા કહ્યું, ‘ હું તો એક સામાન્ય માનવી છું. રિધ્ધિ-સિધ્ધિ કાંઇ જ મારી પાસે નથી. હું કોઇ જ ચમત્કાર જાણતો નથી.’ દિવાને ભોજા ભગતને જેલમાં પૂર્યા. ૧૫ દિવસ સુધી સવાર-બપોર-રોઢો અને સાંજે ભોજન આપવા છતાં યોગ અને કુંડલીની શકિતથી તેઓએ મળમૂત્રના દ્વાર બંધ કર્યા. દિવાનને ખબર પડી અને ભોજા ભગતની માફી માંગી. ભોજા ભગતે દિવાન વિઠ્ઠલરાવને ભરી સભામાં દોઢસો પદ સંભળાવ્યા. તેમનો કાવ્ય પ્રવાહ ‘ચાબખા’ થી આરંભાયો છે એટલે ત્યાર પછી પ્રભાતિયા, હોરી, કીર્તન, ધૂન, સરવડા, કાફી અને ગોડીના પદોની તેમની રચનાઓમાં અધ્યાત્મ તાનનો મહાસાગર ધૂધવતો દેખાય છે અને કાવ્ય કલાના ઉંચા શિખરો પ્રગટ થતા લાગે છે. ભોજા ભગત ‘ચાબખાના કવિ’ તરીકે ઓળખાયા છે.
આ એ દિક્ષાગુરૂ હતા જેમના દ્વારા જલારામબાપા અને વાલમરામબાપા જેવા મહાન સંત રત્નો સમાજને મળ્યા છે.
આજે પણ અમરેલી થી ૩ કી.મી. દૂર ફતેપુર ગામના આશ્રમમાં શ્રી ભોજાભગતની પ્રસાદીની વસ્તુઓ શ્રી હનુમાનજીનું મંદિર તથા શિવલીંગ મોજુદ છે અને દર્શન આપે છે. (લોકોકિત આધારિત).

ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રીશ્રી ડો. જીવરાજ મહેતા

૨૯ મી ઓગસ્ટ ઇ.સ. ૧૮૮૭ના દિવસે અમરેલીમાં ડો. જીવરાજ મહેતાનદ જન્મ થયો. પિતાશ્રી નારાયણભાઇ મુળજીભાઇ મહેતા અને માતૃશ્રી ઝમકબા અને બન્ને પ્રભુપરાયણ કર્મનિષ્ઠ અને વત્સલ દંપતિના સંસ્કાર શિશુ જીવરાજે ઝીલ્યા હતા. તીવ્ર બુધ્ધિ અને અડગ પુરૂર્ષાથના બળે તેજસ્વી પરિણામ સાથે માધ્યમિક શિક્ષણ અમરેલીમાં પુરૂ કરી તેઓ મુંબઇની ગ્રાન્ટ મેડીકલ કોલેજમાં જોડાયા, અભ્યાસ કરવા માટે તેઓ લંડન ગયા ત્યાં પણ તેજસ્વી પરિણામ સાથે એમ.ડી. અને એમ.સી.પી.એલ.ની ડીગ્રીઓ તથા ઇનામો મેળવ્યા.
ડો. જીવરાજ મહેતાની શકિતને વડોદરાના મહારાજા સર શ્રી સયાજીરાવ ગાયકવાડે ઓળખી લીધી અને તેથી એમને મહારાજા પરિવારના અંગત તબીબ અને પછીથી વડોદરા રાજયના મુખ્ય તબીબ અમલદાર તરીકે નીમવામાં આવ્યા.
ઇ.સ. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર બન્યું ત્યારે ભારતના આરોગ્ય ખાતાના મુખ્ય નિયામક તરીકે ડો. જીવરાજ મહેતાની નિમણુંક થઇ. એ સમયે પાકિસ્તાનથી ત્રસ્ત અને પીડિત હિજરતીઓ ભારતમાં સતત આવ્યે જતા હતા એમના તનના અને મનના ઘા રૂઝવવામાં ડો. જીવરાજ મહેતાએ પૂરી નિષ્ઠા અને સહાનુભૂતિથી દિવસ રાત કાર્ય કર્યુ હતું. ઇ.સ. ૧૯૬૦માં અલગ ગુજરાત રાજયની રચના થઇ અને સ્વાભાવિક રીતે જ ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા. એમણે ગુજરાતનું નવ ઘડતર કરવામાં અથાક પરિશ્રમ ઉઠાવ્યો અને ગુજરાતના વિકાસને સંગીન પાયો પૂરો પાડયો. ફર્ટીલાઇઝર કોર્પોરેશન, નવાગામ ખાતે નર્મદા બંધનો શુભારંભ વિધિ અને ગુજરાત રાજયની રાજધાની ગાંધીનગરની યોજના જેવા મહત્વના કાર્યો એમના નેતૃત્વ નીચે સાકાર બન્યા તત્કાલીન વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરૂ ડો. જીવરાજ મહેતાની શકિત અને નિષ્ઠાને બરાબર જાણતા હતા એટલે ડો. જીવરાજ મહેતાને ઇંગ્લેન્ડમાં ભારતના હાઇકમિશનર તરીકે નીમવામાં આવ્યા. હાઇકમિશનર પદેથી નિવૃત થતા તેમની સેવાઓ તત્કાલીક વડાપ્રધાન શ્રીમતિ ઇન્દીરા ગાંધીએ માંગી અને ડો. જીવરાજ મહેતા અમરેલી મત વિસ્તારમાંથી ચૂંટાઇ સંસદ સભ્ય બન્યા. ઇ.સ. ૧૯૭૭માં તેઓ નિવૃત થયા અને સામાજિક સેવાઓ હાથ પર ધરી.

કસુંબલ રંગ અને લોકમિજાજના કવિ ઝવેરચંદ મેઘાણી

મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીયશાયરનું બિરૂદ આપ્યું હતું તે લોકસાહિત્યના કસુંબલ રંગના અને લોકમિજાજના કવિ એવા ઝવેરચંદ મેઘાણી ધીંગી ધરા સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના અમરેલી જિલ્લાના બગસરા ગામના પનોતા પુત્ર હતા. પિતા કાળીદાસ મેઘાણી અને માતા ધોળીબાઇ મેઘાણી પરિવાર મૂળ બગસરાનો નિવાસી. પિતા કાળીદાસ કાઠિયાવાડ એજન્સીમાં પોલીસમાં હોઇ અવાર-નવાર તેઓની બદલી થતી, તેથી બાળક ઝવેરચંદને પણ ઠેકઠેકાણે અવનવા પ્રદેશો અને અવનવા માનવોને મળવાનું થયું. જે સઘળું મેઘાણીના માનસપટમાં અંકિત થતું રહ્યું. પોતાને ‘પહાડનું બાળક’ થી ઓળખાતા ઝવેરચંદ મેઘાણીમાં આમ બાલ્યજીવનથી જ લોકજીવનના સંસ્કારો ઝીલાયા હતા.
મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં, અંગ્રેજી શિક્ષણ વઢવાણમાં અને હાઇસ્કૂલનું શિક્ષણ અમરેલીમાં લીધું હતું. અમરેલીના છાત્રાલયમાં રહીને મેઘાણી અભ્યાસ કરતા હતા. વિદ્યાર્થીકાળથી જ મેઘાણી બુલંદ કંઠે કલાપી, નાનાલાલ જેવા કવિઓની કવિતાઓ ગાતા અને એવા સરસ નાટક ભજવતા જે સૌને જોવા અને માણવા ગમતાં. ૧૯૧૨માં ૧૮ વર્ષની વયે મેટ્રીક પરીક્ષા પાસ કરી ઝવેરચંદ મેઘાણી ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયાં.
મેઘાણી કલકત્તા પહોંચી ગયા. અહીં મોટાભાઇનો ખૂબ મોટો કારોબાર હતો. વ્યવસાયિક કારણોસર મેઘાણી ત્રણેક માસ જેટલું લંડન પણ ફરી આવ્યા. બંગાળમાં રહી કવિવર રવિન્દ્રનાથ ટાગોરના શાન્તિનિકેતનમાં ટાગોરની કવિતાઓમાં ખોવાવા લાગ્યા. પાછળથી કલકત્તા છોડી તેમણે કાઠિયાવાડની વાડ પકડી. આવીને તુરંત રાણપુરથી અમૃતલાલ શેઠના પત્ર ‘સૌરાષ્ટ્ર’ માં જોડાયા. ‘ત્રણ દિવસ ફરશે અને ચાર દિવસ લખશે’ એવી શરત સાથે સમગ્ર કાઠિયાવાડમાં પરિભ્રમણ કરતા રહીને મેઘાણીએ લોકસાહિત્ય એકઠું કરીને ‘સૌરાષ્ટ્ર’ પત્રમાં માધ્યમથી પીરસવા માંડયું. મોતીની ઢગલીઓ, અમરરસની પ્યાલી, જેવા લેખો લોકપ્રીય રહ્યા. કુરબાનીની કથાઓ તેમનું પહેલું પુસ્તક પ્રકાશિત થયું. ‘સૌરાષ્ટ્ર’ માં પોતાને મનગમતી પત્રકાર તંત્રી તરીકેની સેવાઓ આપતાં-આપતાં સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના લોકજીવનનો ધબકાર ઝીલતો, ‘સૌરાષ્ટ્રની રસધાર’ ગ્રંથ મેઘાણીએ ગુજરાતી સાહિત્યને ભેટ ધર્યો, જેના ૧૯૨૭ સુધીમાં પાંચ ભાગ પ્રકાશિત થઇ ચૂકયા હતાં. ૧૯૩૦માં દેશભરમાં જયારે સ્વતંત્રતાનો જુવાળ ફેલાયો હતો ત્યારે બગસરાના પ્રજાજનોને સરકાર વિરૂધ્ધ ભડકાવવાનાં આરોપ સબબ મેઘાણીને બે વર્ષની કેદ થઇ, સાબરમતી જેલમાં તેમનો પરિચય સરદાર પટેલ, દાદા માવલંકર જેવા સ્વાતંત્ર્યવીરો સાથે થયો. મેઘાણી સૌરાષ્ટ્ર છોડી મુંબઇ આવ્યા. મુંબઇમાં તેઓ અમૃતલાલ શેઠના જન્મભૂમી દૈનિકમાં જોડાયાં. મુંબઇની તેમની પત્રકારત્વની યાત્રા દરમિયાન પણ સોરઠ તારા વહેતા પાણી, સત્યની શોધ, નિરંજન જેવી નવલકથાઓ તેમણે આપી. આ દરમિયાન ૧૯૩૪ માં નેપાળના બ્રાહ્મણ પરિવારના વિદુષી સન્નારી દુર્ગાદેવી અને મેઘાણીને પરસ્પરની વિચારસરણી પસંદ આવતા બેય લગ્ન-બંધને બંધાયા. નવલકથાઓ,નવલિકાઓ, કવિતા, નાટક, લોકકથા, લોકગીતો, આત્મકથા, ઇતિહાસ, પ્રવાસ વિગેરે વિષય પરના ૯૯ જેટલાં પુસ્તકો ૨૫ વર્ષમાં લખીને મેઘાણીએ ગુજરાતી સાહિત્ય અને સમાજ જીવનની અનન્ય સેવા બજાવી છે.

આ જન્મ શિક્ષક અને સત્ય શોધક કવિ કાન્ત:

કવિશ્રી કાન્ત-મણિશંકર ભટ્ટ ગુજરાતી ભાષાની કાવ્યસૃષ્ટિમાં જે થોડા અત્યંત તેજસ્વી નામ છે.તેમાંના એક છે. કલાપીના આ વડિલ મિત્ર કલાપીના જ પડોશમાં ચાવંડ ગામમાં અત્યંત ધર્મચુસ્ત પ્રૌરા નાગર કુટુંબમાં ઇ.સ. ૧૮૬૭માં જન્મ્યા હતા. પિતાનું અકાળે અવસાન થવાથી શાળાનો અભ્યાસ એક સગાના આશરે રહીને તેમજ કોલેજનો અભ્યાસ મુંબલમાં સાર્વજનિક છાત્રાલયમાં રહીને કર્યો હતો. ૧૮૮૮માં ફિલોસોફી વિષય સાથે બી.એ. થયા ત્યાર પછી સૂરત, વડોદરા અને ભાવનગરમાં શિક્ષક કે શિક્ષણાધિકારી તરીકે કે રજવાડાના બીજા હોદ્દાઓ પર કામ કર્યું. પરંતુ હકીકતમાં તેઓ આ જન્મ શિક્ષક અને શિક્ષણ વિશારદ જ હતા તેથી શિષ્યો દ્વારા તેમને પ્રેમ આદર સાંપડયો છે. કાન્તની કવિતા પ્રવૃતિ સાડાત્રણ દાયકા ચાલી હતી. એમના સૌથી વધુ કાવ્યો ‘પૂર્વાલાપ’ માં સંગ્રહાયા છે. ૧૯૨૩ માં કાશ્મીરના પ્રવાસે ગયેલા પંજાબની એક ટ્રેઇનમાં જ એકલા હતા અને તાવથી પીડાતા હતા ત્યારે કવિ કાન્તે દેહ છોડયો.

રાષ્ટ્રપ્રેમી કવિ શ્રી દુલા ભાયા કાગ

દુલા ભાયા કાગની વાણી એટલે શબ્દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્ચે પણ કંઠસ્થની પરંપરા ગ્રંથસ્થના સામર્થ્યને સહેજમાં હરાવી દે. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્વ. ભારતની ધરતી અને તેની મનીષાનું ધીમેથી ક્યાંક તો ક્યાંક ઝડપથી ચાલતું વહેતું ઝરણું. દુલા કાગની વાણી એટલે રામાયણની કરુણા અને મહાભારતની સંકુલ સ્થિતિ તો સંસ્કૃતની સાહિત્ય પરંપરાના કંઇ કેટલાંય નામો સાથે સંદર્ભ વિશેષ પર્યાય.
એકવાર ગીગા રામજીને ત્યાં પધારેલા સંત મુકતાનંદજીને તેઓ મળ્યા. દુલા કાગ સંત મુકતાનંદને કહેવા લાગ્યા: ‘મારે તો કચ્છ જઇ પિંગલની પાઠશાળા-પોષાલમાં જઇ અભ્યાસ કરવો છે. ’ સંત મુકતાનંદ કહે:‘કયાંક જવાની જરૂર નથી. ’ બધું અહીં જ છે. તેઓએ કિશોર દુલાની આંગળીઓમાં આંગળીઓ પરોવી અને આંખોથી દુલાને ભાવપૂર્વક નીરખ્યો અને આજ્ઞા આપી ‘જા, સવૈયો લખી લાવ. ’ કિશોર દુલાએ સત્તર વર્ષની વયે લખેલા સવૈયા દુલા કાગને સવાયા ચારણ બનાવી દે એમાં કોઇ શંકા નથી.
દુલા કાગનો રાષ્ટ્રપ્રેમ પણ અનન્ય. દુલા કાગે જીવનભર સમષ્ટિ અને પરમેષ્ઠિનું રહસ્ય પામવા પ્રયત્ન કર્યો. કાલદેવતા સતત વહેતા રહેતા હોય છે. દુલા કાગ આજે આપણી સાથે નથી – વાણીએ કરીને તેઓ ક્યારેય દૂર થઇ શકવાના નથી.

રાજવી કવિ કલાપી

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ લાઠીના નાનકડા રાજયના રાજવી હતા. ઇ.સ. ૧૮૭૪માં જન્મીને ઇ.સ. ૧૯૦૦માં જીવન લીલા સંકેલી લેનાર કલાપી માત્ર ૨૬ વર્ષની અલ્પ આયુમાં કાલની કેડી પર અમીટ છાપ મૂકી જનારાઓમાંના એક છે.
પાંચ સાત વર્ષની બાળ વયથી જ કુમાર સુરસિંહજીનું શિક્ષણ પ્રારંભાય છે. ગાદીના વારસ મોટા ભાઇ હતા. જેથી ફટાયા કુંવરનું શિક્ષણ એ રીતે શરૂ થયું હશે. પરંતુ ભાગ્યવશ પાટવી કુંવરનું અવસાન થતાં ગાદી વારસ બન્યા ! અને રાજકોટની રાજકુમાર કોલેજમાં અંગ્રેજીના પાંચમા ધોરણ જેટલો અભ્યાસ કર્યો. ૧૨-૧૩ વર્ષની કુમાર વયે તે સમયના સમર્થ પંડિત સાક્ષરોશ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી, શ્રી મણિલાલ નભુભાઇ દ્ઘિવેદી જેવા પ્રેરણા દાતાઓ પાસેથી પરોક્ષ અસર ઝીલાય છે અને નાદુરસ્ત તબીયત અને નબળી આંખોને કારણે લાઠી પાછા ફરી ત્યાં સંસ્કાર સંપન્ન બ્રાહ્મણ શિક્ષકો દ્વારા અને સાહિત્યના સતત વાંચન દ્વારા એ સંસ્કારો દ્રઢ બને છે અને માત્ર અઢાર વર્ષની વયે એમની લેખન પ્રવૃતિ શરૂ થાય છે.
કલાપીની કવિતા એટલે પ્રેમની કવિતા. એમની કવિતામાં અસફલ પ્રેમીની તીવ્ર વેદનાનો સૂર હચમચાવી મૂકે એવો છે, એમાંના દર્દની ગહનતા સહ્રદય ભાવકને ક્ષુબ્ધ કરી મૂકે એવી છે. આની પાછળ એમણે અતિ કપરું જીવન જીવીને વેદનાઓ ક્ષલી છે તે કારણ ડોકાય છે.

વર્ષ સુધી વિધાનસભાના અધ્યક્ષશ્રીનું સ્થાન શોભાવનાર સ્વ. રાધવજીભાઇ લેઉવા

સ્વ. શ્રી રાઘવજી લેઉવા એક તેજસ્વી યુવક હતા. તેમના વિદ્યાકાળ દરમિયાન જ તેમની તેજસ્વીતાથી પ્રભાવીત થઇ વડોદરા સરકારે તેમને વિલાયત અભ્યાસ માટે મોકલ્યા હતા. તે દરમિયાન તેમને વિદેશ યાત્રાની તક મળી. વિદેશમાં અભ્યાસ પરિપૂર્ણ કરી ભારત આવ્યા પછી વડોદરા રાજયના વિવિધ જવાબદારીભર્યા સ્થાનો નિભાવ્યા. આઝાદી પછી રાજયની વિધાનસભામાં વર્ષો સુધી વડોદરા પ્રજામંડળ અને વડોદરાના પ્રથમ પ્રજાકીય પ્રધાન મંડળમાં જવાબદારી વર્ષો સુધી જુદાજુદા મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કર્યું. લગભગ ૧૦ વર્ષ સુધી રાજની વિધાનસભાનું અધ્યક્ષપદ શોભાવ્યું. તેઓમાં આગવી વહીવટ સૂઝ હતી. જિલ્લા વિદ્યાસભા-અમરેલીના તેઓ સ્થાપક સભ્ય હતા. વર્ષો સુધી વિદ્યાસભાના મંત્રી તરીકે સેવાઓ આપી છે. તેઓ નિર્ભિક, સત્યવકતા અને ગંભીર વ્યકિતત્વ ધરાવતા સજ્જન હતા.

મહત્મા મુળદાસ
|