|
|
| |
| આંબરડી નેચર પાર્ક |

એશિયાટિક લાયન્સ – સિંહો માટેનું વિશ્ર્વભરનું એકમાત્ર આશ્રય સ્થાન એવા ગીર અભયારણ્યનો મોટો હિસ્સો અમરેલી જિલ્લાની હદોમાં પણ મળે છે અને અમરેલી એ ગીર અભયારણ્યોમાં જવાનું પ્રવેશદ્વાર કહેવાય છે ત્યારે, પ્રવાસન વર્ષ દરમિયાન ગુજરાતના પ્રવાસન વિભાગે, ભારત સરકારને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ખાતે ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે, અમરેલી જિલ્લામાં પણ મુલાકાતીઓ મુકતપણે વિહરતા સિંહોને જોઇ શકે તે માટે વાઇલ્ડ લાઇફ પરિયોજના અમલી બનાવવા રજૂઆત કરી હતી.
રજૂઆતનો સાનુકૂળ પ્રતિભાવ આપતાં પ્રવાસન મંત્રાલય, ભારત સરકાર દ્વારા આંબરડી ખાતે આ પરિયોજનાને અમલી બનાવવા રૂ. ૪૭૪.૨૫ લાખની ફાળવણી કરી છે. જે પૈકીની ૮૦ ટકા રૂ. ૩૭૯.૦૦ લાખની રકમ ગુજરાત સરકારને ચુકવી પણ દેવામાં આવી છે.
અમરેલી જિલ્લાના ધારી તાલુકા મથકથી ૩ કિ.મી. અને અમરેલી – ધારી રોડથી ૬ કિ.મી. ના અંતરે આવેલ પ્રકૃતિ અને પાણીની વિપુલતાથી હર્યાભર્યા આંબરડીના આ પરિયોજના માટે પસંદ થવાના ઘણા કારણો છે. તેમાં એક તે, ધારી કેશોદ થી ૧૫૦ કિ.મી., જૂનાગઢથી ૧૧૫ કિ.મી., દિવથી ૬૦ કિ.મી. અને ભાવનગરથી ૧૩૫ કિ.મી.ના અંતરે રસ્તા માર્ગે આંબરડી જોડાયેલું છે .
ધારી (પૂર્વ) વન વિભાગના પરિપત્રમાં જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અભયારણ્યો પણ આવેલ છે. આ અભયારણ્ય ૪૨૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે.
આ વિસ્તારને તારની મજબૂત વાડથી સુરક્ષિત કરીને પરિયોજના અમલી બનતાં અહીંથી પણ પ્રવાસીઓ સિંહો અને અન્ય વન્યજીવોને મુકતપણે વિહરતા જોઇ શકશે. આ પરિયોજના માટે અહીં ૪૦૦ હેકટર જેટલી જમીનનો ઉપયોગ થશે.
પ્રાકૃતિક સ્થળ એવું આંબરડી શેત્રુંજી નદીના બેય કાંઠે ફેલાયેલું છે. આમાં આંબરડી ગામનો વિસ્તાર ૧૫૦૦ હેકટરનો છે. પર્વતમાળા એવો આ વિસ્તાર ઘાસ અને ઝાડી-ઝાંખરાથી આચ્છાદિત છે. જેથી ગીર અભયારણ્યના વિભાગીય હેડ કવાર્ટર બની રહેવાની ક્ષમતા પણ તે ધરાવે છે. આ વિસ્તારની સાવ નજીક આવેલા ધારી તાલુકાના ખોડિયાર ડેમ અને કુદરતી ધોધને કારણે અહીં બારેમાસ પાણી પ્રાપ્ય છે. આમ આ પરિયોજના સાકાર થતાં ખૂબ જ નયનરમ્ય એવા પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સિંહો અને વન્ય જીવોને મુકતપણે વિહરતા જોવાનો અલભ્ય અવસર મુલાકાતીઓને પ્રાપ્ત થશે. જેથી સ્થાનિક કક્ષાએ રોજગારી તકો પણ મોટા પાયે ઉભી થશે. |
| |
  |
| |
| અમરેલી જીલ્લા ના ઐતહાસીક તથા ધાર્મીક સ્થળો |
| |
| રાજમહેલ – અમરેલી |
 |
| ગાયકવાડી રાજય સમયનો આ રાજમહેલ હકીકતમાં ૧૭૦ વર્ષ જુની ભવ્ય ઇમારત છે. જેમાં બે માળ અને સરેરાશ ઉંચાઇ ૧૦ થી ૧૨ મીટર જેટલી છે. રાજાશાહી વખતે અહીં લોક દરબાર ભરાતો હતો. ઇમારતનો બાંધકામ એરીયા ૩૮૦૭.૧૫ ચો.મી. છે. ઇમારતમાં હોલ ટાઇપના ૧૨ રૂમ તથા કોર્નર પર ચાર માળમાં રેર્કોડરૂમ અને ફરતે ચાર ઝરૂખા ધરાવે છે. સ્થાપત્યનાં અદભૂત નમુના સમો આ રાજમહેલ જે તે સમયે રૂ. ૨,૧૪,૨૬૦/- નાં ખર્ચે બંધાયો હતો. રાજમહેલનાં પ્રાંગણમાં મહારાજા સયાજીરાવની કાંસ્ય પ્રતિમા પણ જોવા મળે છે. |
| |
| ગિરધરભાઇ સંગ્રહાલય- અમરેલી |
 |
| અમરેલી મધ્યમાં આવેલ આ સંગ્રહાલયમાં મહાત્મા ગાંધીજીના જીવનને પ્રદર્શિત કરતી તસ્વીરો, જિલ્લાના સ્વાતંત્ર્ય વીરોની તવારીખ રજુ કરતી ગેલેરી, ડો. જીવરાજ મહેતાને આલેખતી ગેલેરી, ખગોળવિદ્યા અને આકાશ દર્શન કરાવતાં પ્લેનેટોરીયમ આકર્ષક છે. તદઉપરાંત બાલભવન, સંગીત વિભાગ, ચિત્રકલા વિભાગો પણ ધ્યાનકર્ષક છે. |
| |
| સરકારી જિલ્લા પુસ્તકાલય – અમરેલી |
 |
| ઇ.સ. ૧૭૩૦માં શ્રી દામજીરાવે અમરેલીનો કબજો લઇ ગાયકવાડી થાણું સ્થાપ્યું હતું. ત્યારબાદ અંગ્રેજો દ્વારા વોકર સેટલમેન્ટનાં નામે થાણું સ્થાપી ૧૮૮૦માં કર્નલ એલેકઝાંડર વોકરનાં નામે અમરેલી ખાતે (વોકર લાયબ્રેરી) પુસ્તકાલયનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેમાં આજે મહિલા પુસ્તકાલય, બાળ પુસ્તકાલય અને જાહેર પુસ્તકાલય કાર્યરત છે. |
| |
| નાગનાથ મંદિર – અમરેલી |
 |
| અમરેલી શહેરની મધ્યમાં આવેલ આ મંદિર ૨૦૩ વર્ષ જૂનું છે. ઇ.સ. ૧૮૦૨માં સયાજીરાવ ગાયકવાડના પ્રતિનિધિ તરીકે સૌરાષ્ટ્રની વ્યવસ્થા સંભાળવા આવેલ સરસુબા શ્રી વિઠ્ઠલરાવ દેવાજીના હસ્તે શિવના આ મંદિરનું બાંધકામ થયું હતું. આ મંદિર પણ લોકઆસ્થાનું કેન્દ્ર છે. |
| |
| કૈલાસ મુકિતધામ – અમરેલી |
 |
| અમરેલી શહેરની લાઠી-સાવરકુંડલા બાયપાસ નજીક આવેલું કૈલાસમુકિત ધામ ખરેખર તો એક આધુનિક સ્મશાનગૃહ છે. અહીંની નીરવ શાંતિ વાતાવરણમાં એક અનોખા વાતાવરણનું નિર્માણ કરે છે. આત્મા અમર છે અને દેહ નશ્ર્વર છે તથા સારા કાર્યો જ માણસને મોક્ષની પ્રાપ્તી કરાવે છે તેનું જીવનદર્શન કરાવતી દેવ-દેવીઓ તથા આસુરોની મૂર્તિઓ જીવનની સાચી દ્રષ્ટિ કેળવવા મુલાકાતીઓને પ્રેરે છે. |
| |
| દ્વારકાધીશ હવેલી – અમરેલી |
 |
| અમરેલી શહેરની મધ્યમાં આવેલી દ્રારકાધીશ હવેલી પુષ્ટિમાર્ગીય ધર્માત્માનું પવિત્રસ્થાન છે. ૨૫૦ વર્ષ પહેલાં અહીં શ્રીનાથજી ઠાકુર પધાર્યા હતા અને તેમના રથનું પૈડું અહીં થંભી જતાં તેઓ અહીં જ રોકાઇ ગયા હતાં. તે સમયે મહારાજા સયાજીરાવે તેમને જમીન પણ આપી હતી. અહીં ઠાકુરજીનું નિધિ સ્વરૂપ છે. સામે ગોપાલાલજીની પાદુકા પણ બિરાજમાન છે. હાલ વ્રજલાલ મહારાજ ગાદિપતિ છે અને દ્રાકેશજીલાલજી મહોદય તથા પુરશોતમલાલજી મહોદય પણ સેવાઓ આપે છે. |
| |
| શ્રી ભોજલરામ ધામ – ફતેપુર |
 |
| અમરેલીથી સાતેક કિલોમીટર દૂર આવેલ ફતેપુર ગામમાં સંતશ્રી ભોજાભગતની જગ્યા આવેલ છે. સંવત ૧૮૪૧ ની વૈશાખી પૂનમે જન્મેલ સંતશ્રી ભોજાભગત પોતાની ચાબખારૂપ વાણીથી જગપ્રખ્યાત થયા હતા. દર વર્ષે વૈશાખી પૂનમે સંતશ્રીની તિથિની ઉજવણી વખતે મેળો યોજાય છે. હાલમાં તે ભોજલરામ ધામ તરીકે જાણીતું થયેલ છે. ભોજલરામ ધામ ખાતે સંતશ્રીની પ્રસાદીનો ઢોલીયો, માળા, પાઘડી અને દેગ વિગેરે જોવા મળે છે. ભોજા ભગતનું ઇ.સ. ૧૮૫૦માં વિરપુર (જલારામ) ખાતે અવસાન થતાં આ સ્થળ સમાધી સ્થાન બન્યું છે. |
| |
| ગણપતિજીનું મંદિર |
 |
| અમરેલીનાં રાજકમલ ચોકની બાજુમાં આવેલ સરકારવાડા ખાતે ગાયકવાડ સરકાર વખતનું ભગવાનશ્રી ગણપતિ દાદાનું પ્રાચીન મંદિર સિધ્ધિ વિનાયક મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરમાં જમણી શુંઢનાં ગણપતિ દાદા બિરાજમાન છે. જેથી ધાર્મિકો તેને અદ્વિતિય ગણપતિજીનું મંદિર ગણે છે. |
| |
| કવિ ઇશ્ર્વરદાનની સ્મૃતિમાં બંધાયેલ મંદિર |
 |
| કવિ ઇશ્ર્વરદાન ગઢવી કે જેઓ રાજકવિ હતા તેઓ ઇ.સ. ૧૫૧૫માં જન્મેલા હોવાનું મનાય છે. અમરેલીથી ૫ કિ.મી. દૂર આવેલા ઇશ્ર્વરીયા ગામે શિવમંદિરમાં તેઓ રોજ આવીને સ્તુતિ વંદના કરતા. રાજકવિ ઇશ્ર્વરદાનના મામાને તે વખતે રાજા તરફથી ઇશ્ર્વરીયા અને વરસડા ગામો ભેટમાં મળેલા. તે મામા પાસેથી ઇશ્ર્વરદાનને વારસામાં મળેલા. ઇશ્ર્વરીયાનું આ મંદિર આમ કવિ ઇશ્ર્વરદાનની સ્મૃતિને સાચવે છે. કવિની સ્મૃતિમાં કોઇ મંદિર પણ હોય એવી આ એક વિરલ ઘટના છે. |
| |
| ખોડિયાર મંદિર – ધારી |
 |
| અમરેલીથી આશરે ૪૫ કિ.મી. દૂર ધારી- ખોડિયાર ડેમ સાઇટમાં ગળધરાવાળી ખોડીયાર માતાનું મંદિર આવેલ છે. સૌરાષ્ટ્રનાં ખોડીયાર માતાજીના મુખ્ય ત્રણ મંદિરો પૈકીનું એક છે. ખોડીયાર ડેમની હેઠવાસમાં શેત્રુંજી નદીનાં કાંઠે માતાજીના મંદિરે રવિવારે અને મંગળવારે લોકો લાપસીની માનતા ધરવા પધારે છે. |
| |
| શ્યામ સુંદર મંદિર – સરસીયા |
 |
| અમરેલી શહેરથી આશરે ૫૫ કિ.મી. દૂર ધારી-તુલસીશ્યામ રોડ ઉપર સરસીયા ગામે આવેલા મંદિરની અનેક યાત્રાળુઓ મુલાકાત લે છે. આ મંદિરમાં શ્યામસુંદર ભગવાનની મૂર્તિનું સ્થાપન થયેલ છે. હજારો ધાર્મિકો આ મંદિરની મુલાકાત લે છે અને પુણ્ય પામે છે. |
| |
| દાનગીગેવ મંદિર – ચલાલા |
 |
| અમરેલીથી ૨૪ કિ.મી. દૂર ચલાલા ખાતે સંતશ્રી દાનબાપુએ ૨૦૦ વર્ષ પહેલા આ જગ્યાની સ્થાપના કરી હતી. શ્રી દાન મહારાજનાં શિષ્ય આપાગીગાએ સતાધારની જગ્યા સ્થાપી હતી. મંદિર પરિસરમાં શ્યામસુંદર ભગવાનનું મંદિર તેમજ પ્રસાદીઓની વસ્તુઓ પણ દર્શનાર્થે રખાયેલ છે. ચલાલા પંથકમાં આ મંદિર મહત્વનું સ્થાન ધરાવે છે. |
| |
| રાંદલ માતા મંદિર – દડવા |
 |
| અમરેલી જિલ્લામાં બાબરા- વાંસાવડ રોડ પર દડવા રાંદલના ગામે આવેલ આ મંદિર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. રાંદલ માતાના વિશાળ મંદિરમાં માતાજીની બાધાથી સંતાનપ્રાપ્તી કરનાર મહિલાઓ મોટી સંખ્યામાં આવે છે. આ મંદિરની મુલાકાતે આવનાર શ્રધ્ધાળુઓ માટે રહેવા-જમવાની ઉત્તમ સુવિધા પ્રાપ્ત છે. દેશભરમાંથી આ સ્થાને યાત્રાળુઓ આવે છે. |
| |
| ભુરખીયા – હનુમાન મંદિર |
 |
| અમરેલી જિલ્લાના કાઠી તાલુકામાં ભુરખિયા ગામે આવેલ આ મંદિર ચાર સૈકા જુનું છે. લોકવાયકા અનુસાર કવિ પીંગળશીભાઇ ગઢવીને આ મંદિરનો પરચો થયો હતો. અહીં હિન્દુ ધર્મની ચોર્યાસીનું અદકેરૂં મહત્વ છે. દૂર દૂરથી ભાવિક ભકતો અહીં તેમની મનોકામના પૂર્ણ કરવા આવે છે. ચૈત્ર સુદ- ૧૫ ને દિવસે અહીં ભાતીગળ-ભવ્ય મેળો ભરાય છે. |
| |
| કલાપી તીર્થ – લાઠી |
 |
| અમરેલીની ૨૪ કિ.મી. નાં અંતરે લાઠી ખાતે કવિ કલાપીતીર્થ આવેલ છે. રાજવી કવિશ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘‘કલાપી’’ ની સ્મૃતિઓની કૃતિઓ કલાપી તીર્થના સંગ્રહાલયમાં જોઇ શકાય છે. ‘સ્વાન્તઃ સુખાય’ પ્રોજેકટ હેઠળ લોકભાગીદારીથી નિર્માણ પામેલ ‘‘કલાપીતીર્થ’’ નું લોકાપર્ણ માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૨૦૦૫ માં સંપન્ન થવા પામ્યું હતું. |
| |
| પાંડવ કુંડ – બાબરા |
 |
| બાબરામાં આદિકાળથી બ્રહ્મકુંડની ઐતિહાસિક જગ્યા છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્યાએ રોકાયા હોવાની લોકવાયકા છે અને તેથી જ પાંચ પાંડવોના પવિત્રકુંડ ‘‘પાંડવકુંડ’’ તરીકે ઓળખાય છે. અહીં નીલકંઠ મહાદેવનું મંદિર પણ છે, જે લોકઆસ્થાનું કેન્દ્ર છે. |
| |
| જાફરાબાદનો પૌરાણિક કિલ્લો |
 |
| અમરેલીથી ૧૦૦ કિ.મી. ના અંતરે જાફરાબાદ ખાતે આ કિલ્લો આવેલ છે. આ કિલ્લાનું બાંધકામ જાફરાબાદના સુલતાને કરાવેલ છે. ગુજરાતમાં દરિયાઇ માર્ગે જાફરાબાદ મહત્વપૂર્ણ બંદર હોઇ દુશ્મનોનાં હુમલાને ખાળવા જે તે સમયે આ કિલ્લાનું નિર્માણ થયેલ હતું. પ્રાચીન કિલ્લા ઉપરથી આખું જાફરાબાદ શહેર તથા અરબી સમુદ્ર જોવાનો અનેરો લ્હાવો મળી રહે છે. |
| |
| ચાંચ બંગલો – રાજુલા |
 |
| રાજુલાનાં વિકટર બંદરથી દરિયાઇ માર્ગે ચાંચ ગામમાં જતાં દરિયાકાંઠે આવેલ આ બંગલો ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ બંધાવ્યો હતો. આ બંગલાનું બાંધકામ ૧૯૪૫માં શરૂ થયું હતું અને ૧૦ વર્ષે રૂ. ૨૦ લાખના ખર્ચે પૂર્ણ થયું હતું. ૮૮ જેટલા ખંડો ધરાવતા આ બંગલામાંથી અરબી સમુદ્રની ભવ્યતા સોળે કળાએ ખીલેલી દેખાય છે. |
| |
| વરાહસ્વરૂપ મંદિર |
 |
| અરબી સમુદ્રના કાંઠે આવેલ આ મંદિર દેશમાંના બે જ પ્રકારના મંદિરો પૈકીનું એક છે. ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર વરાહના નામનો અહીં મહિમા છે. હિરણ્યક્ષ નામના રાક્ષસે પૃથ્વીને રસાતળમાં ધરબી દીધી ત્યારે વરાહસ્વરૂપે પોતાના દંતશૂળથી પૃથ્વીને તેમાંથી બહાર કાઢી હતી તેવું પુરાણો કહે છે. જાફરાબાદ તાલુકામાં દરિયાકાંઠે વારાહ સ્વરૂપ ગામે આ મંદિર આવેલું છે. અહીં પણ પ્રતિવર્ષ સાગરખેડૂઓનો મેળો જામે છે. |
| |
  |